જામકંડોરણા રાજકોટ ૧૦૮ ના સ્ટાફે રૂા. ૧.૩૪ લાખ કરતાં વધુ
રકમની વસ્તુઓ ઇજાગ્રસ્તને સાભાર પરત કરી
૧૦૮ ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે
ઇમરજન્સી ૧૦૮ સેવાના કર્મીઓ નિષ્ઠાની અવાર-નવાર મિસાલ પૂરી પાડતા હોય છે. ૧૦૮ ની સેવા આકસ્મિક સમયમાં જીવન રક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવા માટે જાણીતી છે અને ૧૦૮એ તેની સેવાથી પ્રજાના હ્રદયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તેમની આ અપ્રતિમ સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. તેના કર્મચારીઓની આવી કર્તવ્ય પરાયણતા અને નિષ્ઠાનો આવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં જામકંડોરણા રાજકોટ ૧૦૮ સ્ટાફે રૂા.૧.૩૪ લાખ કરતાં વધુ રકમ, મોબાઇલ ફોન સહિતની કિમતી વસ્તુઓ અકસ્માતગ્રસ્ત વ્યક્તિના પરિવારજનોને સાભાર પરત કરી ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જામકંડોરણા ૧૦૮ ઇમરજન્સી ટીમને સાંજે કોલ આવ્યો હતો. જેમાં ગોંડલ તાલુકા હડમતલાથી આંબલીયા ગામ નજીક અકસ્માત નડતાં ફોર વ્હીલર કાર પલટી મારી જતા ચાલક યુવક બેભાન થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જામકંડોરણા ૧૦૮ એમ્બ્યુલન્સ મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી. અને તપાસ કરતાં ઇ.એમ.ટી પ્રવીણ ઠાકોર અને પાયલોટ પૃથ્વીરાજ જાડેજાને કાર ચાલક યુવાન બેભાન થયેલો જણાયો હતો. આથી તેમને પ્રાથમિક સારવાર પુરી પાડી હતી. આ તકે વધુ તપાસ કરતાં ઇજાગ્રસ્ત યુવાન પાસે થી ૧.૩૪ લાખ રોકડા રકમ અને મોબાઇલ, સહિત ચીજવસ્તુઓ મળી આવી હતી, ઇ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસ ના ૧૦૮ ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓએ ઈમાનદારીની મિસાલ પુરી પાડતા બેભાન યુવાનની રોકડ રકમ અને મોબાઈલ ફોન જામકંડોરણા પોલીસ મથકે પોલીસ કોન્સટેબલને સુપ્રત કરી યુવકના પરિવારજનોનો સંપર્ક સાધીને તેમને યુવકની ઓળખ કરી પરત એમનાં પરીવારને આ રોક્ડ સુપ્રત કરી હતી.
૧૦૮ ના ઇ.એમ.ઇ. જયસિંહ ઝાલા તેમજ ઉપરી અધિકારીઓએ બંને કર્મચારીઓની પ્રમાણિકતાને બિરદાવી હતી.