– ગાંધીનગર નજીક કર્ણાવતી ડેન્ટલ કોલેજના ગેટ પાસે
– મોપેડ ઉપર આવેલા બે શખ્સો અને તેમના સાગરિતો સામે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ઉવારસદની કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા અને જીમ કરીને પરત ફરતા બે વિદ્યાર્થીઓ ઉપર ઓવરટેક કેમ કર્યો કહીને મોપડ ઉપર આવેલા બે શખ્સો અને તેના સાગરીતોએ લાકડીઓથી હુમલો કરી માર માર્યો હતો. જે સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક ઉવારસદ ખાતે આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં બેચલર ઓફ ડિઝાઇનિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો મૂળ પંજાબનો પાર્થ અમિતભાઈ ધીર ગત બુધવારના રોજ તેના મિત્ર અડાલજ ખાતે રહેતા વ્યોમ હરગોવિંદભાઈ દેસાઈ સાથે કાર લઈને સરગાસણ ખાતે જીમ કરવા માટે ગયા હતા અને ત્યાંથી રાત્રે કોલેજની હોસ્ટેલ તરફ આવ્યા હતા. આ દરમિયાન કાર ઊભી રહેતા પાર્થ નીચે ઉતર્યો હતો આ સમયે પાછળથી મોપેડ ઉપર બે શખ્સો આવ્યા હતા અને કાર ફૂલ સ્પીડમાં કેમ ચલાવી અમારો ઓવરટેક કેમ કર્યો તેમ કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. આ બંને શખ્સોની સાથે અન્ય લોકો પણ ત્યાં આવી ગયા હતા અને લાકડીઓથી પાર્થ અને વ્યોમ ઉપર હુમલો કરી દીધો હતો એક શખ્સે વ્યોમની કારનો કાચ પણ તોડી નાખ્યો હતો. ત્યારબાદ તેમની સાથે મારામારી કરીને ચશ્મા પણ તોડી નાખ્યા હતા. આ સમયે પોલીસ આવી ગઈ હતી પરંતુ પોલીસની હાજરીમાં પણ મારામારી કરતા હતા હુમલો કરનાર વ્યક્તિઓ પૈકી એક સવન પટેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાલ આ અંગે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે