ગાંધીનગર ખાતે સેક્ટર ૧૨માં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું રૂ.૧,૪૯,૩૧,૯૪૭ ના ખર્ચે નવીનીકરણ કરવામા આવ્યું છે. આ ભવન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ પ્રજાજનો માટે ખુલ્લું મુક્યું હતું.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન જિલ્લાની સામાજિક ન્યાયની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બને અને સમાજના નબળા વર્ગના માણસો માટે તેમના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બને તે હેતુથી જિલ્લા કક્ષાએ ડૉ. આંબેડકર ભવન બાંધવાની યોજના અમલમાં મુકાઈ હતી. હાલમાં કુલ- ૨૫ જિલ્લાઓમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર ભવનોના બાંધકામ કરવામાં આવ્યા છે.
આ ભવનનું કુલ-૩૦૦૦ ચો.મી જમીનમાં નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૨૮૪ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો વાતાનુકુલીન ઓડીટોરીયમ હોલ, ૨૫ વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતો સમિતિખંડ, લાયબ્રેરી, સમિતિખંડ મુલાકાતી ખંડ મ્યુઝિયમ રૂમ, ગ્રીનરૂમ, તેમજ કાર્યાલય તેમજ આગળના ભાગમાં બગીચો બનાવવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગપાલિકાના મેયર શ્રી હિતેશભાઇ મકવાણા, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ તેમજ વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.