જિલ્લામાં ૨૫૩૦ પરિવારો લાભાન્વિત; ગત વર્ષે ૯૮૫ પરિવારોને ૧૧.૮૨ કરોડની સહાય થકી મળ્યા સુવિધાસભર આવાસ
પ્રજાવત્સલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ હેઠળ સરકારે નિર્ધાર કર્યો છે કે, દેશમાં કોઈ પરિવાર ઘર વિહોણું ન રહે. સરકારના આ નિર્ધારને સાચા અર્થમાં સાકાર કરી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના જે હેઠળ લોકોના ઘરના ઘરનું સપનું સાકાર બની રહ્યું છે. આજે અસંખ્ય નોંધારા પરિવારોનું આધાર બની છે પ્રધાનમંત્રી આવાસ યોજના.
આજના સમયમાં સરકાર લાભાર્થીઓના ઘર સુધી પહોંચી છે અને સરકારની સાથે લોકોના આંગણે પહોંચી છે જન કલ્યાણકારી યોજનાઓ. જનહિતની વિવિધ યોજનાઓનો લાભ આજે લોકો ઘરે બેઠા જ મેળવી શકે છે. દેશના પ્રત્યેક નાગરિક સુધી જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ પહોંચે, ગામડાઓનો માળખાગત, આર્થિક તેમજ સામાજિક વિકાસ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવે છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ લોકો ઘરના ઘરનું સપનું જુએ તો એ સપનામાં સાર્થકતાના રંગ ભરે છે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ).
મોરબી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જરૂરિયાતમંદ લોકોની પસંદગી કરી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સાંકળી તેમને ઘરનું ઘર મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં ગત વર્ષે ૯૮૫ લાભાર્થીઓના ઘરના ઘરનું સપનું પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સાકાર કર્યું છે. પ્રત્યેક લાભાર્થીને ૧,૨૦,૦૦૦ હજારની સહાય અન્વયે જિલ્લામાં સરકારશ્રીની ૧૧.૮૨ કરોડથી વધુની સહાય થકી ૯૮૫ પરિવારોને પાકી છત મળી શકી છે. મોરબી જિલ્લા કુલ ૨૫૩૦ થી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સુવિધાસભર, સક્ષમ અને સલામત આવાસ મળી શક્યું છે.
આ પરીવારોમાંથી ઘણા પરિવારો કાચા મકાનમાં તો ઘણા ભાડાના મકાનમાં રહેતા હતા. કોઈ પરિવારને ટપકતી છતની મુશ્કેલી હતી તો કોઈ પરિવારને ચોમાસામાં જીવ-જંતુઓનો ડર. ટપકતું પાણી, કડકડતી ઠંડી, અસહ્ય ગરમી અને જીવ-જંતુઓનો ભય આવી તો અનેક સમસ્યાઓમાંથી આ પરિવારોને છુટકારો મળ્યો છે ત્યારે તેમના ચહેરા પરનું સ્મિત અનેરું હોય એ સ્વાભાવિક છે. એક માજીએ તો ગદ્-ગદ્ થતાં કહ્યું કે, એક તરફ મારી વહુને પ્રસૂતિ અને બીજી તરફ ચોમાસું, ઘરમાં પાણી જ પાણી ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં એ દિવસો કેમ ભુલાય ? ભલું થાજો સરકારનું કે એમણે અમને ઘર બનાવવા માટે સહાય કરી. હવે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અમારું ઘર બની ગયું છે ત્યારે અમે ખરેખર ખૂબ ખુશ છીએ.
આવા તો અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે સરકાર હૂંફની છત સાબિત થઈ છે. દરેક વ્યક્તિને પોતાનું એક ઘર હોય એવું સ્વપ્ન હોય છે આ સ્વપ્ન સાકાર કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને કોઈ જરૂરિયાતમંદ ઘર વિહોણું ન રહે તે પણ સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.