– ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સ્વાઈનફ્લૂનો પગપેસારો
– એનએચએમની ખાલી જગ્યા તાત્કાલિક ભરવાની સાથે મ્યુ.કમિશનર દ્વારા વૃધ્ધોને ડાયાબિટીસની તપાસ તથા સગર્ભા-બાળકોનું સો ટકા રસીકરણ કરવા સુચના
ગાંધીનગર : વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે જેની સીધી અસર ગાંધીનગરના નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર જોવા મળી રહી છે. નાગરિકોમાં હાલ વાયરલ રોગચાળો ફેલાયો છે શરદી-ઉધરશ, ખાંસી, છીંક, તાવ, ગળામાં બળતરા સહિતની તકલીફો વધી છે તેવી સ્થિતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સ્વાઇનફ્લૂના કેસ પ્રકાશમાં આવ્યા છે. જેના પગલે આજે ગાંધીનગર મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સ્વાઇનફ્લૂ અંગે પણ શહેરી વિસ્તારના તબીબોને સતર્ક કરવામાં આવ્યા હતા અને શંકાસ્પદ કેસ શોધીને સ્વાઇનફ્લૂની ચેઇન તોડવા માટે પણ સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત નેશનલ ક્વોલીટી સ્ટાન્ડર્ડ અંતર્ગત પાંચ અર્બન હેલ્થ સેન્ટરનું રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તાવાળા બનાવવા માટે પણ સુચન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાની રોગ્ય શાખાની ત્રિમાસિક વિવિધ મીટીંગનું કમિશનરના અધ્યસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેશન આરોગ્ય સંકલન સમિતિ, માતા-બાળ મરણ સમિતિ, ઇમ્યુનાઇઝેશન ટાસ્કફોર્સ, સંચારી રોગચાળો, ક્લાઇમેટ ચેન્જ તેમજ તમાકું નિયંત્રણ કમિટી અને સીટી ટીબી ફોરમની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સગર્ભા તથા બાળકોની નોંધણી કરીને સો ટકા રસીકરણ કરવા તથા ૬૦ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોની ડાયાબીટીસ-બીપીની તપાસ કરવા માટે કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી.
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંબંધિત વિવિધ સમિતિની ત્રિમાસિક બેઠક આજે કમિશનર જે.એન.વાઘેલાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં નેશનલ હેલ્થ મીશન અંતર્ગત કોઇ પણ જગ્યા ખાલી હોય તો તાત્કાલિક ભરવા માટે કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઉફરાંત સગર્ભા તથા બાળકોના રસીકરણની કામગીરી ૧૦૦ ટકા કરવાન સાથે માતા-બાળ મરણના કિસ્સામાં તમામ ઘરની મુલાકાત લઇને ચોક્કસ કારણ શોધી તેના ઉપાયો કરવા પણ સુચના આપવામાં આવી હતી.
જ્યારે વિકસિત બારત સંકલ્પ યાત્રા અંતર્ગત શહેરના ૬૦ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોની ડાયાબીટીસ તથા હાયપરટેન્શનની તપાસ થાય તે સુનિશ્ચિત કરવા ભાર મુકવામાં આવ્યો હતો. આ સાથે આગામી ઉનાળાને ધ્યાને રાખીને પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે બરફ અને શેરડીના કોલાવાળા ઉપરાંત સ્ટ્રીટફુડનું પણ સેમ્પલ લઇને ત્યાં તપાસ કરવા કહેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત બરફના ગોળાવાળા અને શેરડીના રસવાળાને સ્વચ્છતા તથા હાઇજેન બાબતે જાગૃત કરવા બેઠકનું આયોજન કરવા પણ જણાવવામાં આવ્યું હતું. એટલુ જ નહીં, ઉનાળામાં ફુડપોઝનીંગના બનાવો બને તો તાત્કાલિક દર્દીઓને સારવાર મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવા સજાગ કરવામાં આવ્યા હતા.