– તલવાર, ધારિયા, લાકડી સહિતના હથિયારો ઉડયા
– અગાઉ ફલાયએશનાં કોન્ટ્રાક્ટ બાબતે ઝઘડો થયો હતો, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
જામનગર : જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગઈ રાત્રે જૂની અદાવત ના કારણે બે જૂથ વચ્ચે શા ધીંગાણું થયું હતું. અને સામ સામે તલવાર, પાઇપ, ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવતાં બંને જૂથના કુલ આઠ લોકો ઘવાયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો મુંગણી ગામ મા દોડી ગયો હતો. અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગઇ રાત્રે સમાજવાડીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા અજીતસિંહ જીલુભા જાડેજા ગયા હતા. તેઓ મનોજસિંહ તથા કેશુભા વગેરે સાથે વાડીની બહાર બેઠા હતા. જ્યાં જયરાજસિંહ જાડેજા જેસીબી મારફત જમીનનું લેવલિંગ અને સફાઈ કામ કરાવી રહ્યા હતા. ત્યારે વાહન નડતરરૂપ હોવા થી સાઈડમાં રાખવાનું કહેતા અને બંને વચ્ચે અગાઉ પણ ફ્લાયએસનાં કોન્ટ્રાક્ટ બાબતે ઝઘડો થયો હોવાથી એ જૂની અદાવતને કારણે આરોપી જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, ભરતસિંહ ગુમાનસિંહ જાડેજા ( રે .સિક્કા), જાફર યુસુફભાઈ, વનરાજસિંહ દેદા ( રે.ચેલા ) અને સહદેવ સિંહ ઉર્ફે વિરાટ કેર (રે. મેઘપર) એક સંપ કરીને અજીતસિંહ જાડેજા અને મનોજસિંહ ઉપર તલવાર ધારીયા અને ગેડા વડે હુમલો કર્યો હતો. ઉપરાંત અન્ય ને પણ માર માર્યો હતો. આ બનાવો અંગે અજીતસિંહ જિલુભા જાડેજા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે હત્યા પ્રયાસ ની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.
જ્યારે શામાં પક્ષે રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા એ પણ ફ્લાયએસનાં કોન્ટ્રાક્ટ ની જૂની માથાકૂટનો ખાર રાખી પોતાના ઉપર તેમજ ભરતસિંહ જાડેજા અને જાફર ઉપર તલવાર, ધારીયા અને પાઇપ વડે હુમલો કરવા અંગે તેમજ અન્ય ઉપર પણ હુમલો કરવા અંગે મુંગણી ગામનાં કેશુભા વિભાજી જાડેજા, ભરતસિંહ દલુભા કેર, જીતુભા દોલુભા કેર, રાજેન્દ્રસિંહ જીતુભા જાડેજા ,અજીતસિંહ જીતુભા જાડેજા, જયદેવસિંહ કેશુભા કેસરાણા અને મેઘપર ગામના મનોજ રણજીત જાડેજા અને દિલીપસિંહ ઘોધુભા પિંગળ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. આ બઘડાટીમાં બંને પક્ષના કુલ આઠેક લોકોને નાની મોટી ઈજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.જ્યારે બનાવ જાહેર થતાં જ પોલીસ કાફલો ઘટનાને દોડી ગયો હતો. અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ બનાવ ની વધુ તપાસ પો. સબ.ઇન્સ. આર એસ બાર ચલાવી રહ્યા છે.