organic barnyard millet

organic barnyard millet

મિલેટ એક્ષ્પો-૨૦૨૪ (ધાન્ય-૧ “કાંગ “)

“કાંગ ખેતર ગ્યા’ તા રે, ગોરી કાંગ લ્યો રે..!”: પ્રાચીન તૃણ ધાન્ય કાંગ વિષેની રસપ્રદ વાતો

કાંગ કે જેને વિશ્વ કક્ષાએ બાર્નયાર્ડ મિલેટ કહેવામાં આવે છે, તે ગુજરાતના પ્રાચીન તૃણ ધાન્યોમાનું એક છે. કાંગ’ આ નામ કદાચ આજની પેઢી માટે તો સાવ અજાણ્યું નહીં જ હોય, પરંતુ બહુ ઓછું જાણીતું એવું આ ધાન્ય હાલ દક્ષિણ ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. બાજરી જેવા નાના-નાના દાણા ધરાવતું આ અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

પ્રાચીન સમયથી કાંગને ધાન્ય પાક તરીકે વાવવામાં આવે છે. આમ તો કાંગને એક સમયે આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્ર અને મૈસૂરમાં મોટા પ્રમાણમાં વાવવામાં આવતી હતી, પરંતુ આજકાલ ગુજરાતમાં તેનું વાવેતર ખૂબ જ ઓછું થઈ ગયું છે. કાંગ સૂકી જમીન પર ઉગતું અનાજ છે અને તેને આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે વાવી શકાય છે. કાંગમાં પ્રોટીન, વિટામિન અને ખનિજ પુષ્કળ પ્રમાણમાં હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ અનાજ ખૂબ જ ફાયદાકારક ગણાય છે, તેમના માટે ચોખાની જગ્યાએ કાંગ કે કોદરી વધારે ફાયદાકારક ગણાય છે. 

આયુર્વેદ અનુસાર કાંગ શીતળ, વાતકારક, રૂક્ષ, વૃષ્ય, તૂરી, ધાતુવર્ધક, સ્વાદ, ભાંગેલા હાડકાને સાંધનાર અને ગર્ભપાત અટકાવવામાં ફાયદાકારક ગણાય છે. કાંગ કફ અને પિત્તનો પણ નાશ કરે છે. આ અનાજ કાળુ, લાલ, સફેદ અને પીળું હોય છે.ગુજરાતમાં પહેલાં ઘરોમાં કાંગની ખીચડી કે ખીર બનાવવામાં આવતી હતી. કાંગ માટે કહેવાય છે કે, “કંઈ પણ ખાવાથી દુ:ખાવો થતો હોય તો કાંગની ખીર ખાવી”. 

આજકાલ આ અન્ન તેના ફાયદાઓને કારણે ફરી લોકપ્રિય બની રહ્યું છે તો કેટલાક પર્યાવરણ પ્રેમીઓમાં પણ કાંગ લોકપ્રિય છે. કાંગ પ્રમાણમાં થોડું પોચું અનાજ હોવાના કારણે ચકલીને તે ખૂબ જ પ્રિય છે. એટલે જ ઘણા લોકો તેમના ઘરે ચણમાં કાંગ મૂકવાનું પસંદ કરતા હોય છે. તો ઘણા ખેડૂતો ખેતરમાં શેઢાની નજીકની બે લાઈનમાં કાંગ વાવતા હોય છે, જેથી ખેતરમાં આવતાં પક્ષીઓને ચણ મળી રહે અને અન્ય પાકનું રક્ષણ પણ થાય. આવા અનેક ફાયદાકારક તૃણ ધાન્યો વિશે જાણવા અને તેની વાનગીઓનો આસ્વાદ લેવા રાજકોટ ખાતે મિલેટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જો જો લ્હાવો લેવાનું ચૂકી ન જતા……

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *