વડોદરામાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને
રૂ. ૪૨ લાખની કિંમતની સહાયક સાધન સામગ્રીનું વિતરણ
**********************
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના હસ્તે ૨૮૬ લાભાર્થીઓને સહાયક ઉપકરણોનું વિતરણ
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના સી. એસ. આર. પહેલ અંતર્ગત શિબિરનું આયોજન
(વડોદરા, તા.૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ સોમવાર) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના સી. એસ. આર. પહેલ અંતર્ગત આજે શહેરના નિઝામપુરા રોડ સ્થિત સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના હસ્તે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ ૨૮૬ લાભાર્થીઓને રૂ. ૪૨ લાખની કિંમતની સહાયક સાધન સામગ્રી આપવામાં આવી હતી.
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે જરૂરી સહાયક સાધન સામગ્રીથી તમામ લાભાર્થીઓનું જીવન વધારે સરળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રી દિવ્યાંગજન શબ્દ આપીને દિવ્યાંગોને સન્માન આપવાની સાથે સાથે તેમના જીવનની તમામ નાની નાની જરૂરિયાતોને પણ પૂર્ણ કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. શ્રીમતી ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, ત્યારથી દિવ્યાંગજનોના ઉત્કર્ષ અને ઉત્થાન માટે તેમજ સમાજની મુખ્ય ધારામાં તેઓનો સમાવેશ કરવા માટે રાત-દિવસ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. સાંસદશ્રીએ વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને યથોચિત યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના એક્ઝ્યુકેટિવ ડાયરેક્ટરશ્રી રાહુલ પ્રશાંતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો પ્રત્યે પોતાની અલગ અલગ પહેલની વિગતો આપી સંસ્થાની પ્રતિબદ્ધતા જણાવી હતી. જરૂરિયાતમંદોના જીવનને વધુ સુગમ બનાવી રાષ્ટ્રપ્રથમના ભાવને તેમણે વ્યક્ત કર્યો હતો.
સમાજ સુરક્ષા અધિકારીશ્રી મંયક ત્રિવેદીએ કાર્યક્રમના પ્રારંભે સમારોહની રૂપરેખા આપી હતી. તો એલિમ્કોના ડેપ્યુટી મેનેજર બંશીલાલ સાકેતે આભારવિધિ કરી હતી.
આ સમારોહમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના સ્થાનિક અધિકારીઓ, સમાજ સુરક્ષા સંકુલનો સ્ટાફ, દીપક ફાઉન્ડેશનના પદાધિકારીઓ, લાભાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.