રાજકોટ શહેરના રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં સ્પા કે મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા દ્રવ્યોનું સેવન, દેહ વ્યાપાર તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકે તેમજ જાહેર સલામતી અને શાંતિ જળવાઈ રહે, તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.
જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલા તમામ સ્પા/મસાજ પાર્લરના માલિકો અથવા સંચાલકોએ તેમના એકમનું નામ, માલિક કે સંચાલકનું નામ, ફોટો અને નંબર ઓળખના પુરાવા સાથે, તેમના કર્મચારીઓની સંખ્યા, નામ, સરનામું, મૂળ વતનનું સરનામું, ફોટોગ્રાફ, ઓળખના પુરાવા, વિદેશી કર્મચારી હોય તો વિઝા અને પાસપોર્ટની સમગ્ર વિગત પ્રમાણિત કરીને જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી સહી સિક્કા કરાવાના રહેશે. આ અંગેનું રજિસ્ટર સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિભાવવામાં આવશે. આ આદેશો તા. ૦૧/૦૩/૨૦૨૪થી તા. ૩૦/૦૪/૨૦૨૪ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.