મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજગઢ-જેગડવા ગ્રામ્ય માર્ગ નવો બનાવવા માટે રૂ. ૫ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી
આગામી સમયમાં રાજગઢ અને જેગડવા ગામોની તમામ જરૂરિયાતો કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પુરી પાડવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા
આજે મહિલા, બાળ અને આયુષ કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને રાજગઢ-જેગડવા ગ્રામ્ય માર્ગનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજગઢ-જેગડવા ગ્રામ્ય માર્ગ નવો બનાવવા માટે રૂ.૫ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજગઢથી જેગડવા સુધીનો માર્ગ બનાવવા માટે રૂ.૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ રોડ બનવાથી આજુબાજુના ગામ લોકોને ખુબજ ફાયદો થશે. આગામી સમયમાં પણ રાજગઢ અને જેગડવા ગામોની તમામ જરૂરિયાતો કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પુરી પાડવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સંસદિય ક્ષેત્રમાં કરેલાં વિકાસ કાર્યોની જાણકારી આપતા વધુમાં તેમને જણાવ્યું હતું કે, સંસદીય ક્ષેત્રના તમામ વિસ્તારોમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. જેથી લોકોને કટોકટી સમયે પણ ખૂબ જ ઝડપથી આરોગ્ય સુવિધાઓ મળી રહે છે. ધંધુકામાં ત્રણ વેન્ટિલેટર, લખતર, માંડલ અને રાણપુરમાં વૈકુથ રથ પણ આપવામાં આવ્યા છે. કોઠારીયા રોડ પર આયુર્વેદ કોલેજ મંજૂર કરાવવામાં આવી છે. આ કોલેજમાં સાવ સામાન્ય ફીમાં અભ્યાસ કરીને જિલ્લાના બાળકો ડોક્ટર બનશે. રતનપરમાં પાંચ એકર જમીનમાં કેન્દ્રીય વિદ્યાલય અને નેશનલ હાઈવે નં-૫૧ કુડા થી લીંબડી સુધીનું 3D જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ગયું છે. દીકરીઓના વિકાસ માટે સરકારે લીધેલા પગલાઓની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પૈસાના કારણે આજે કોઈપણ બાળકીનો અભ્યાસ ન અટકે તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આજે તમામ ક્ષેત્રોમાં મહિલાઓની ભૂમિકા ઉડીને આંખે વળગે છે. પોલીસ, મિલેટરી અને ફાયર ફાઈટરમાં પણ બહેનોની ભાગીદારી વધી છે. સમગ્ર વિશ્વમાં ભારત દેશમાં સૌથી વધુ મહિલા પાયલટ છે. રમતગમત ક્ષેત્રે પણ આજે દીકરીઓ મેડલ લાવી દેશનું નામ રોશન કરી રહી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યશ્રી છત્રસિંહ ગુંજારિયા, પૂર્વ ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા, તાલુકા પંચાયત સદસ્યશ્રી કાળુભાઇ મકવાણા, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સનતભાઇ ડાભી, અગ્રણી સર્વશ્રી દેવજીભાઈ રાઠોડ, હસુભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, વાઘજીભાઇ પટેલ, ગિરિશભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.