ચૂંટણીમાં ઉતરેલા 1618 ઉમેદવારો પૈકી 450થી વધુ કરોડપતિ, 252 સામે ગંભીર ફોજદારી કેસો

Lok Sabha Election 2024: નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે કુલ ૧૬૧૮ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તેમાંથી ૧૬ ટકા એટલે કે ૨૫૨ની વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. નેશનલ ઇલેકશન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યા પછી આ આંકડા જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ૧૯ એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે જેમા ૨૧ રાજ્યોની ૧૦૨ લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ વખત સાત તબક્કામાં મતદાન થશે. ૧૯ એપ્રિલ પછી ૨૬ એપ્રિલ, ૭ મે, ૧૩ મે, ૨૦ મે, ૨૫ મે અને ૧ જૂને મતદાન થશે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં સાત તબક્કામાં ચૂંટણી થવાની છે. ચાર જૂને પરિણામ જાહેર કરવામાં આવશે. એડીઆરના રિપોર્ટ અનુસાર ૧૦ ટકા ઉમેદવારો વિરુદ્ધ ગંભીર કેસો દાખલ છે. સાત ઉમેદવારો પર હત્યા, ૧૮ સામે મહિલાઓની વિરુદ્ધ બળાત્કાર જેવા અપરાધ, ૩૫ ઉમેદવારો વિરુદ્ધ હેટ સ્પીચના કેસ દાખલ છે. 

રિપોર્ટ અનુસાર ભાજપના ૭૭માંથી ૨૮ તથા કોંગ્રેસના ૫૬માંથી ૧૯ ઉમેદવારો વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. રાજદની વાત કરવામાં આવે તો તેના આ તબક્કાના ચારેય ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ દાખલ છે. ડીએમકે, સપા, ટીએમસી અને બીએસપીના ક્રિમિલ કેસવાળા ઉમેદવારોનું પ્રમાણ અનુક્રમે ૫૯, ૪૩,૪૦ અને ૧૩ ટકા છે. ૧૦૨માંથી ૪૨ લોકસભા બેઠકો પર રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રેડ એલર્ટ એવી બેઠકો માટે જારી કરવામાં આવે છે જેના પર ત્રણથી વધારે ઉમેદવારો પર ક્રિમિનલ કેસ દાખલ હોય છે.

એડીઆરના રિપોર્ટ અનુસાર ૧૬૧૮ ઉમેદવારો પૈકી ૪૫૦થી વધુ સામે એક કરોડથી વધારેની સંપત્તિ છે. ભાજપના ૯૦ ટકા ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના ૮૮ ટકા ઉમેદવારો પાસે એક કરોડથી વધુની સંપત્તિ છે. જો કે પ્રથમ તબક્કામાં ચૂંટણી લડનારા ૧૦ ઉમેદવાર એવા પણ છે જેમણે જણાવ્યું છે કે તેમની પાસે કોઇ સંપત્તિ નથી. 

તમામ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૪.૫૧ કરોડ છે. તૃણમુલના પાંચ ઉમેદવારોની પાસે સરેરાશ ૩.૭૨ કરોડની સંપત્તિ છે. સંપત્તિની બાબતમાં ટોચના ત્રણ ઉમેદવારોમાં કોંગ્રેસના નકુલ નાથ (૭૧૬ કરોડથી વધુ), એઆઇએડીએમકેના અશોક કુમાર (૬૬૨ કરોડ) અને ભાજપના દેવનાથન યાદવ ટી (૩૦૪ કરોડ) સામેલ છે. સૌથી ઓછી સંપત્તિ જાહેર કરનારા ઉમેદવારો કોંગ્રેસના જ છે. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *