GbHcs4V848xxOt2f2dvcAgnjXgBs1DWX

GbHcs4V848xxOt2f2dvcAgnjXgBs1DWX

દરિયા સામે બાથ ભીડવી સહેલી નથી, પરંતુ યા હોમ કરીને પડો તો તેને જીતી લેવો દૂર પણ નથી

સાહસ, રોમાન્ચ અને ધીરજની પરીક્ષા કરતી ચોરવાડથી વેરાવળના અરબી સમુદ્રમાં યોજાઈ ૩૩મી વીર સાવરકર તરણ સ્પર્ધા

તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો

ભાઈઓમાં સુરતના નિલય કાર્નિકરે અને બહેનોમાં તાશા મોદીએ સ્પર્ધા જીતી

સાહસ, રોમાન્ચ અને ધીરજની પરીક્ષા કરતી પ્રતિ બે વર્ષે ચોરવાડ થી વેરાવળ વચ્ચે દરિયામાં યોજાતી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા અંતર્ગત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર – ગીર સોમનાથ દ્વારા આજે આદ્રી બીચ ખાતે ખાતેથી મહિલાઓની અને ચોરવાડ ખાતેથી ભાઈઓને સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી.

આમ પણ કહેવાય છે કે, દરિયા સામે બાથ ભીડવી જેવાં તેવાનું કામ નથી, તેવા સમયે દરિયાના ઠંડા પાણી, ઉછળતા મોજા, સામેથી આવતા પવન સહિતની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે અડગ મન અને સાથે સતત દરિયા સામે લડીને વિજેતા બનવું એ આકરી પરીક્ષા હોય છે. છતાં, પ્રતિ વર્ષ દેશના વિવિધ પ્રાંત, પ્રદેશ અને રાજ્યમાંથી આવતા સ્પર્ધકો દરિયાને જીતી લેવા પોતાની દિલની બાજી લગાવીને દરિયા વચ્ચે ઉતરે છે.

એવી આ સ્પર્ધામાં આજે વહેલી સવારે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારની ઉપસ્થિતિમાં આદ્રી બીચ ખાતેથી મહિલાઓની અને ચોરવાડ બીચ ખાતેથી જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં ભાઈઓની ૩૩મી વીર સાવરકર તરણ સ્પર્ધા-૨૦૨૪ યોજાઈ હતી. 

આ તરણ સ્પર્ધામાં તરવૈયાઓએ દરિયા સામે બાથ ભીડી પોતાની સાહસવૃત્તિનો આગવો પરિચય આપ્યો હતો. આ તરણ સ્પર્ધામાં પોતાની સ્ફૂર્તિ અને તૈરાકીનું કૌવત બતાવતા ભાઈઓમાં સુરતના નિલય કાર્નિકરે અને બહેનોમાં સુરતની તાશા મોદીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આમ, બંને સુરતના ખેલાડીઓએ સુરતની અસલી ‘સૂરત’ બતાવી ખિતાબ પોતાના નામે કરી સુરતનું નામ ફરી એકવાર રોશન કર્યું હતું.

આ તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડ થી વેરાવળ (૨૧ નોટિકલ માઈલ) યોજાઈ હતી. 

આ સ્પર્ધામાં સુરતના નિલય કાર્નિકરે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ સ્પર્ધા તેમણે ૫ કલાક ૫૫ મિનિટ અને ૫૫ સેકન્ડમાં પૂરી કરી હતી. જ્યારે પ્રતિક નાગરે ૫ કલાક ૪૧ મિનિટ ૪૦ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે અનિકેત પટેલે પાંચ કલાક ૪૨ મિનિટ અને ૧૬ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી અને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. 

જ્યારે બહેનો માટેની સ્પર્ધા આદ્રીથી વેરાવળ (૧૬ નોટિકલ માઈલ) વચ્ચે યોજાઈ હતી. ફરીથી સુરતના ખેલાડીઓએ પોતાની તૈરાકી કૌશલ્ય દર્શાવતા સુરતના જ તરવૈયાઓએ પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક મેળવ્યો હતો. 

તાશા મોદીએ ૪ કલાક ૧૦ મિનિટમાં તરણ સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે હેની ઝાલાવડિયા ૪ કલાક ૧૦ મિનિટ અને ૨૦સેકંડમાં સ્પર્ધા પૂરી કરી બીજા ક્રમાંકે અને ડોલ્ફી સારંગે એ ૦૪ કલાક ૧૬ મિનિટ અને ૨૦ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી અને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. 

શ્રી મણિબહેન કોટક ખાતે ઇનામ વિતરણ યોજાયું હતું. પ્રથમ ક્રમાંક મેળવનાર વિજેતાઓને રૂ.૫૦,૦૦૦, દ્વિતિય ક્રમાંક મેળવનારને રૂ.૩૫,૦૦૦ અને તૃતિય ક્રમાંક મેળવનાર વિજેતાઓને રૂ.૨૫,૦૦૦ની રાશિથી સન્માનિત કરાયા હતાં. 

જ્યારે પૂજ્ય મોટા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રથમ ક્રમાંક મેળવનાર તમામ વિજેતાઓને રૂ. ૨,૦૧,૦૦૦,  દ્વિતિય વિજેતાને ૧,૬૫,૦૦૦ અને ત્રીજા વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ ની  પુરસ્કૃત રાશિ તેમજ સમયમર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરનાર સ્પર્ધકોને રૂ.૯,૯૯૯ ના પ્રોત્સાહક પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં.

આ તકે, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.ડી.મકવાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સેરેમનીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશ્વિન સોલંકી, ઈન્ડિયન રેયોનના સીએસઆર હેડ શ્રી શ્રદ્ધા મહેતા, પૂજ્ય મોટા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી હેમલતાબહેન, ડૉ. શૈલેષભાઈ ગોટી, ખારવા સમાજના અગ્રણી શ્રી કિશોરભાઈ કુહાડા, ગોપાલભાઈ ફોફંડી સહિતના આગેવાનો તેમજ સ્પર્ધકોના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *