Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરત કરી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી (MVA) વચ્ચે બેઠક વહેંચણીનો મુદ્દો ઉકેલાઈ ગયો છે. સંજય રાઉતે જાહેરાત કરી છે કે, પક્ષો વચ્ચે બેઠકની વહેંચણી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે જૂથ 21 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસને 17 બેઠક અને શરદ પવારની એનસીપી 10 બેઠક પર ચૂંટણી લડશે.
જાણો કયો પક્ષ કઈ બેઠકો પર લડશે
કોંગ્રેસને નંદુરબાર, ધુલે, અકોલા, અમરાવતી, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી, ચંદ્રપુર, નાંદેડ, જાલના, મુંબઈ ઉત્તર મધ્ય, પુણે, લાતુર, સોલાપુર, કોલ્હાપુર, રામેટક, ઉત્તર મુંબઈ બેઠક મળી છે. શિવસેના (ઉદ્ધવ)ને જલગાંવ, પરભણી, નાશિક, પાલઘર, કલ્યાણ, થાણે, રાયગઢ, માવલ, ધારાશિવ, રત્નાગીરી, બુલઢાણા, હાટકદંગલે, સંવહાજિંગર, સાંગલી, હિંગોલી, યવતમાલ, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ દક્ષિણ મધ્ય, દક્ષિણ મુંબઈ, મુંબઈ ઉત્તર પૂર્વ બેઠક મળી છે. જ્યારે શરદ પવારની એનસીપીને બારામતી, શિરુર, સાતારા, ભિવંડી, ડિંડોરી, માધા, રાવેર, વર્ધા, અહમદનગર દક્ષિણ, બીડ બેઠક મળી છે.
લોકસભાની ચૂંટણી 19મી એપ્રિલથી શરૂ થશે
સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી માટે 19મી એપ્રિલથી મતદાન શરૂ થશે. ચોથી જૂને મતગણતરી થશે. આની જાહેરાત કરતાં ચૂંટણી પંચે કહ્યું હતું કે, ‘2019ની લોકસભા ચૂંટણીમાં લગભગ 29.7 કરોડ પાત્ર મતદારોએ મતદાન કર્યું નથી. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં, જે 50 બેઠકો પર સૌથી ઓછું મતદાન થયું હતું, તેમાંથી 17 બેઠકો મહાનગરો અથવા મોટા શહેરોની હતી.’