જી.એમ.આર.સી, એ.એમ.સી.અને રેલ્વે દ્વારા સહ નિર્મિત સ્વ. શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસ 83 કરોડના ખર્ચે બનીને તૈયાર થયો
પાલડી અંડર પાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડશે તથા આંબાવાડી, લૉ ગાર્ડન, પાલડી અને નવરંગપુરાના રહેવાસીઓ માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદરૂપ થશે
પાલડી અંડર પાસની બંને બાજુની દિવાલો પર કરવામાં આવેલ આર્ટવર્કમાં અમદાવાદના કોટવિસ્તારનો વારસો અને વનસ્પતિ તથા પ્રાણીસૃષ્ટિની ઝલક પ્રદર્શિત થાય છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં 83 કરોડના ખર્ચે. તૈયાર થયેલ જી.એમ.આર.સી, એ.એમ.સી. અને રેલ્વે દ્વારા સહ નિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પાલડી અંડરપાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડે છે તથા આંબાવાડી, લૉ ગાર્ડન, પાલડી તથા નવરંગપુરાના રહેવાસીઓ માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદ કરશે. આ અંડરપાસના કારણે અમદાવાદ-બોટાદ રેલવે લાઈનની ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે.
આ અંડરપાસની અન્ય વિશેષતાઓમાં, તેની બંને બાજુની દિવાલો પર આર્ટવર્ક છે જે અમદાવાદના કોટવિસ્તારનો વારસો, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની ઝલક દર્શાવે છે. 4 લેનના આ અંડર પાસની લંબાઈ 450 મીટર અને પહોળાઇ 16.6 મીટર છે.
83 કરોડના ખર્ચે નિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસને જી.એમ.આર.સી દ્વારા 47 કરોડ, એ.એમ.સી. દ્વારા 33 કરોડ અને રેલ્વે દ્વારા ૩ કરોડમાં મળી સહ નિર્માણ કરવામાં આવ્યો છે.
પાલડી અંડરપાસના લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબહેન, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એસ.એસ. રાઠોડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી એમ થેન્નારસન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.