દેશના દીર્ઘકાલીન અને સમાન વિકાસ તેમજ આર્થિક અને સામાજિક પરિવર્તનો હાંસલ કરવા માટે ભારતની કુલ વસ્તીમાં ૬૭.૭% હિસ્સો ધરાવતી મહિલાઓ અને બાળકોનું સશક્તિકરણ અને સંરક્ષણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય મહિલાઓ અને બાળકો માટે સુલભ, વિશ્વસનીય અને તમામ ભેદભાવ તથા હિંસાથી મુક્ત માહોલ પૂરો પાડવા સતત પ્રયત્નશીલ છે.
પ્રધાનમંત્રીશ્રી મોદી દ્વારા મહિલાઓ અને બાળકો માટે ડિસેમ્બર-૨૦૨૩થી “મિશન શકિત”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના દ્વારા એકીકૃત સંભાળ, સલામતી, સંરક્ષણ, પુનર્વસન અને સશક્તિકરણ દ્વારા મહિલાઓ તેમના જીવનના વિવિધ તબક્કે પ્રગતિ કરી શકશે.
મિશન શક્તિમાં “સંબલ” અને “સામર્થ્ય” નામની બે પેટા યોજનાઓ સમાવવામાં આવી છે. “સંબલ” પેટા યોજનામાં વન સ્ટોપ સેન્ટર્સ (OSC), મહિલા હેલ્પલાઇન (181-WHL) અને ‘‘બેટી બચાઓ, બેટી પઢાઓ’’ અભિયાનનો, જ્યારે “સામર્થ્ય” પેટા યોજનામાં હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, શકિત સદન અંતર્ગત ઉજ્જવલા- સેકસ વર્કરોના પુન:સ્થાપન માટે ગૃહ, સ્વધાર ગૃહ- નારી ગૃહ અને સખી નિવાસ એટલે વર્કિંગ વુમન હોસ્ટેલ, રાષ્ટ્રીય ક્રેચ (ઘોડિયાઘર) નારી અદાલતો વગેરે જેવી મહિલા સશક્તિકરણની યોજનાઓનો સમાવેશ કરાયો છે. સખી નિવાસમાં રહેતી વર્કીંગ વીમેન તેમની ૧૮ વર્ષ સુધીની દીકરીઓ અને ૧૨ વર્ષ સુધીના દીકરાઓને પોતાની સાથે રાખી શકશે અને નિવાસી ન હોય તેવી કામકાજી મહિલાઓના બાળકોને ડે કેર સેન્ટરની સેવાઓનો લાભ મળી શકશે.
રાજકોટ જિલ્લામાં જામ ટાવર પાસે અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા સંચાલિત અને ભક્તિનગર સર્કલ વિસ્તારમાં પુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા સંચાલિત એમ ૨ (બે)સખી નિવાસ અને અન્ય એક નારીગૃહ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત કાર્યરત છે. આ બંને સખી નિવાસમાં ૧૦૪ જેટલી વર્કીંગ વીમેન રહે છે. રાજકોટમાં વધુ સખી નિવાસ બનાવવા માટે વિવિધ વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યા છે, તથા આંગણવાડીમાં ઘોડિયાઘરની સુવિધા સાથે બાળકોને ડે-કેર જેવી સવલતો પણ આપવામાં આવશે.
આમ, મહિલાઓને દરેક સ્તરે આવશ્યક સહાય આપી તેમને આત્મનિર્ભર બનાવવા માટે ‘‘મિશન શક્તિ’’ યોજના એક માઈલ સ્ટોન સાબિત થશે.