અભ્યાસ સાથે સંશોધન કરી નિર્માણ કર્યા સાદા અને સસ્તાં ઉપકરણો
શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે કાર્યરત સણોસરા સ્થિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં વિશ્વવિદ્યાલય પ્રારંભ થતાં અહીંના વિદ્યાર્થીઓ ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે.
લોકભારતી સંસ્થાનાં વડા શ્રી અરુણભાઈ દવે, શ્રી હસમુખભાઈ દેવમૂરારી અને શ્રી રાજેન્દ્રભાઈ ખિમાણીનાં આયોજન નેતૃત્વ સાથે અહીંયા શિક્ષણ માત્ર અભ્યાસક્રમ નહિ પણ તેની સાથે જીવનની કેળવણી બને તે કેન્દ્ર સ્થાને છે. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે કાર્યરત સણોસરા સ્થિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં વિશ્વવિદ્યાલય પ્રારંભ થતાં અહીંના વિદ્યાર્થીઓ ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે, જેમાં શ્રી વિશાલભાઈ ભાદાણીનાં માર્ગદર્શન અંતર્ગત અભ્યાસ સાથે સંશોધન કરી વિદ્યાર્થીઓએ સાદા અને સસ્તાં ઉપકરણો નિર્માણ કર્યા છે.
આ ઉપકરણો નમૂનાઓ સંશોધન અને નિર્માણ કાર્યમાં સંયોજક શ્રી દર્શિતભાઈ સાંકડેચા અને સહસંયોજક શ્રી ઘનશ્યામભાઈ હિરાણી રહ્યા છે.
આ વિદ્યાર્થીઓ દ્વારા ઉનાળા માટે દેશી વાતાનુકૂલિત યંત્ર, કૃષિ માટે વજન ઊંચકવું ન પડે તેવો દવા છાંટવાનો ફુવારો, વિદ્યુત ઉપયોગ વગર પાણીનું શુદ્ધિકરણ એકમ, ખરી પડેલાં પાંદડાઓ હવા ખેંચવાની પ્રક્રિયાથી એકત્ર કરવાનું યંત્ર, ઘાસ તેમજ ઘાસ વર્ગનાં પાક કાપવા માટેનું ઓજાર, પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષા સરળતાથી શીખી શકે તે માટેના ચિત્રપટ સામગ્રી, બળેલાં તેલનો રસોઈ પકાવવા માટે ચૂલો, રસોઈ સાથે પદાર્થોને શેકવા કે ગરમ કરવાનાં ઉપયોગ માટેનું સાધન, સૂર્યઉર્જા વડે ખાદ્યપદાર્થો સુકવવાનું સાધન, ખેતીવાડી માટે ખેડૂતોને ઉપયોગી અને શાકભાજી તાજાં રહે તે માટેનું ઈંટ અને માટી દ્વારા નિર્મિત એકમ, પર્યાવરણને હાનિકારક કચકડાનાં ટુકડાનાં રસમાંથી ઈંટોની બનાવટ તેમજ ચીકુ, કેરી જેવાં ફળોને તેનાં ઝાડ પરથી તોડી ઉતારવાનું ઓજાર નિર્માણ કરવામાં આવેલ છે.
ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરવા માટે આ પ્રક્રિયામાં લોકભારતી વિશ્વવિદ્યાલયનાં વડા શ્રી રાજેન્દ્રભાઈ ખિમાણી સાથે શ્રી વિશાલભાઈ ભાદાણીનાં સંકલનમાં શ્રી ભૌતિકભાઈ લીંબાણી, શ્રી પરેશભાઈ ઝિંઝાડા, શ્રી રામદેવજીસિંહ ગોહિલ, શ્રી મહાવીરભાઈ પરમાર તથા શ્રી ઘનશ્યામભાઈ હિરાણી આ એક એક ઉપકરણ નિર્માણ માટેની ટુકડીઓમાં સાથે રહ્યાં અને વિદ્યાર્થીઓએ કુશળતાપૂર્વક સફળતા મેળવી છે.