લોકસભા 2024ની ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપી દીધું

Lok Sabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આગામી દસ દિવસ બાદ થવાનું છે ત્યારે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સોમાવારે ભાજપ છોડવાની જાહેરાત કરી હતી. આજે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

આજે બિરેન્દ્ર સિંહ કોંગ્રેસમાં જોડાઈ શકે

પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહે સોમવારે ભાજપને રામ-રામ કર્યા  છે. આજે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. બિરેન્દ્ર સિંહની પત્ની અને પૂર્વ ધારાસભ્ય પ્રેમલતાએ પણ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અગાઉ પુત્ર બ્રિજેન્દ્ર સિંહ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે બ્રિજેન્દ્ર સિંહે 2019માં ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી હતી.  બ્રિજેન્દ્ર સિંહ હાલ હિસારથી સાંસદ છે અને તેમણે 2019માં IAS નોકરી છોડી અને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 

જેપી નડ્ડાને રાજીનામું મોકલ્યું

પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહે કહ્યું કે ‘મેં ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને મારું રાજીનામું પાર્ટીના વડા જેપી નડ્ડાને મોકલી આપ્યું છે. મારી પત્ની પ્રેમલતાએ પણ રાજીનામું આપી દીધું છે.’ 

10 વર્ષ બાદ કોંગ્રેસમાં વાપસી

બિરેન્દ્ર સિંહ હરિયાણાના મોટા જાટ નેતા તરીકે ઓળખાય છે. તેઓ 10 વર્ષ પહેલા 2014માં કોંગ્રેસ સાથેના સંબંધો તોડીને ભાજપમાં જોડાયા હતા. આ પછી ભાજપે તેમને રાજ્યસભામાં મોકલ્યા અને તેમને કેન્દ્રીય મંત્રી બનાવ્યા હતા. ભાજપ છોડતા પહેલા બિરેન્દ્ર સિંહ હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ઘણી વખત મળ્યા હતા.

About The Author

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *