વાંસી બોરસી ગામ ભૌગૌલિક દ્રષ્ટીએ જળ અને હવાઈ માર્ગ માટે પણ અનુકૂળ હોવાનો પુસ્તકમાં ઉલ્લેખ

Published: Feb 22, 2024 | Surat Regional Office

વાંસી બોરસી ગામ ભૌગૌલિક દ્રષ્ટીએ જળ અને હવાઈ માર્ગ માટે પણ અનુકૂળ હોવાનો પુસ્તકમાં ઉલ્લેખ — કુદરતી બંદર હોવાથી અહીંની જમીન કાંપ વાળી ન હોય મોટા વહાણોની સરળતાથી અવરજવર શક્ય — ઓવરબ્રિજ અને બંદરના વિકાસ થવાથી ગામનો વિકાસ થશે સાથે રોજગારી પણ મળશેઃ સરપંચ સુનિલભાઈ ટંડેલ — ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી નવસારીના વાંસી બોરસી ગામમાં પીએમ મિત્ર પાર્ક નિર્માણ થનાર છે ત્યારે ભૌગોલિક દ્રષ્ટીએ વાંસી બોરસી ગામ ભૂતકાળમાં જળ માર્ગ અને હવાઈ માર્ગની પણ કનેકટિવીટી ધરાવતુ હતું તેવો ઉલ્લેખ વાંસી-બોરસી ગામ સર્વસંગ્રહ પુસ્તકમાં જોવા મળે છે. ત્યારે નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની નેમ ધરાવનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવસારીને પીએમ મિત્ર પાર્ક ફાળવાયા બાદ ટેક્સટાઈલ ઉદ્યોગના હરણફાળ વિકાસ માટે આ ગામના બંદરની વિકાસની શકયતા વધી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. માછીવાડ ગામમાં પૂર્ણા નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થાને આવેલુ વાંસી બોરસી બંદર પર હાલમાં યાંત્રિક બોટ વાળી ૧૦૦ અને હલેસાવાળી ૧૫૦ બોટ લંગારવામાં આવે છે. હાલમાં જ રૂ.૧૦ થી ૧૧ કરોડના ખર્ચે કુલ ૧૮૦૦ મીટરની પ્રોટેકશન વોલ નવી બનાવી અને રિનોવેશન પણ કરવામાં આવ્યું છે. આ બંદરની જમીન કાંપવાળી ન હોવાથી બોટના આવાગમન માટે સરળતા પડે છે. આ બાબતનો ઉલ્લેખ નવસારીની એસ.બી.ગાર્ડા આર્ટ્સ અને પી.કે.પટેલ કોલેજ ઓફ કોમર્સના પ્રા. જસવંત મ.નાયક અને પ્રા. રમેશભાઈ આર. નાયક દ્વારા વર્ષ ૧૯૮૨-૮૩માં સંપાદન કરાયેલી વાંસી-બોરસી ગામ સર્વસંગ્રહ બુકમાં જોવા મળે છે. જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વાંસી-બોરસી બંદર કુદરતી બંદર છે. મોટા વહાણની અવરજવર સરળતાથી થઈ શકે છે. મોટાભાગના બંદરો પર કાંપ દૂર કરવા માટે ખર્ચ કરવો પડતો હોય છે પરંતુ વાંસી-બોરસી બંદર પર દરિયાઈ કાંપ ભેગો થતો નથી. ભૂતકાળમાં વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડના ઈજનેરો અને તેમના જર્મન ટેક્નિશિયનોના અભિપ્રાય મુજબ, અહીં શ્રેષ્ઠ બંદર વિકસી શકે તેમ છે. સયાજીરાવે બંદરની સગવડોને ધ્યાનમાં લઈ પરસોલીમાં વિમાન ઉતરી શકે એ માટે હવાઈપટ્ટી પણ તૈયાર કરાવી હતી. વર્ષ ૧૯૬૨માં મનસુખલાલ માસ્તર સમિતિએ તેમના અહેવાલમાં પણ વાંસી-બોરસી બંદરને વિકસાવવા માટે રૂ. ૩૦ લાખના ખર્ચની ભલામણ કરી હતી. ત્યારે પીએમ મિત્ર પાર્કથી વાંસી બોરસી ગામના લોકોમાં આ બંદરના વિકાસની આશા સેવાય રહી છે. માછીવાડ ગામના સરપંચ સુનિલભાઈ ટંડેલે જણાવ્યું કે, પીએમ મિત્ર પાર્ક આવવાથી વિકાસની અનેક સંભાવના જોવાઈ રહી છે. જેમાં દાંડી બંદરથી સામાપોર મછાર દાંડી વચ્ચે ઓવરબ્રિજ અને અમારા ગામના બંદરના વિકાસ માટે રૂ. ૨૦ થી ૨૨ કરોડના ખર્ચે પ્રોજેક્ટ બની રહ્યો છે. જો આ પ્રોજેક્ટ સાકાર થાય તો ગામનો વિકાસ તો થશે જ સાથે રોજગારી પણ વધશે.

-000-

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *