સુરતની નવી સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાને નામ સફળતાનું વધુ એક સોપાન —— હિમોફીલિયાની બિમારીથી પીડિત ૩૨ વર્ષીય હિંમતભાઈ માંગુકિયાની મદદે સુરતની નવી સિવિલ હોસ્પિટલ: રૂ.૧ કરોડથી વધુની નિ:શુલ્ક સારવાર થકી આપ્યું નવજીવન —— હિમોફીલિયામાં પણ રેર કન્ડિશન ધરાવતા હિંમતભાઈને હાથે ફ્રેકચર થતા નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ૧ મહિનાની ખાસ સારવાર પછી સ્વસ્થ કરાયા —— ‘હિમોફીલિક દર્દીમાં ભાગ્યે જ જોવા મળતા જટિલ તબક્કાને કારણે હિંમતભાઈની સારવાર માટે નોવા ફેક્ટર-૭ના ૧૨૨ વાઈલ્સ(શીશી) અને ફિબાના ૧૭૬ ડોઝ વપરાયા હતા. જેનો ખર્ચ રૂ.૧ કરોડ જેટલો થયો છે’: હાડકા વિભાગના સહ પ્રાધ્યાપક ડૉ.અંશુલ ગુપ્તા —– ‘રાજ્ય સરકાર દ્વારા રૂ.એક કરોડની સારવાર-સહાય મધ્યમવર્ગીય પરિવાર માટે વરદાનરૂપ’: હિંમતભાઈના પિતરાઈ ખોડાભાઈ —— એક્સિડન્ટ પછીના કલાકો સુધી વિવિધ પ્રાઈવેટ હોસ્પિટલમાંથી નિરાશા મળ્યા બાદ નવી સિવિલના તબીબો જીવનદાતા બન્યા: દર્દી હિંમતભાઈ માંગુકિયા ——- હિમોફીલિયાના ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસમાં સુરત સિવિલના તબીબોએ સતત એક મહિના સુધી સઘન સારવાર આપી મૂળ બોટાદ જિલ્લાના લાખણકા ગામના દર્દીને સ્વસ્થ કર્યા —— સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા વારસાગત ગણાતી રક્તની ગંભીર બિમારી, હિમોફીલિયાથી પીડિત ૩૨ વર્ષીય હિંમતભાઈ માંગુકિયાની રૂ.૧ કરોડથી વધુ ખર્ચની સારવાર વિનામૂલ્યે કરી ‘સંકટ સમયની સાંકળ’ સાબિત થઈ છે. આ સાથે જ સુરત નવી સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાની સફળતામાં વધુ એક સોપાન ઉમેરાયું છે. સુરત સિવિલમાં અગાઉ પણ આ પ્રકારની અન્ય ગંભીર બિમારીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી છે. એક્સિડન્ટને કારણે હિંમતભાઈના હાથમાં ફ્રેકચર થવાથી વધુ પડતાં રક્તસ્ત્રાવને રોકવા તેમજ તેમના ઓપરેશન માટે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આશરે રૂ.૧ કરોડથી વધુની સારવાર આપવામાં આવી હતી. હિમોફીલિયાના ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેસમાં સુરત સિવિલના તબીબોએ દર્દીને સ્વસ્થ કર્યા છે, જેમાં હિમોફીલિક દર્દીમાં ભાગ્યે જ જોવા મળતા જટિલ તબક્કાને કારણે તેમની સારવાર માટે નોવા ફેક્ટર-૭ના ૧૨૨ વાઈલ્સ(શીશી) અને ફિબાના ૧૭૬ ડોઝ વપરાયા હતા. જેનો ખર્ચ રૂ.૧ કરોડ જેટલો થયો છે. હાડકા વિભાગના સહ પ્રાધ્યાપક ડૉ.નાગેશ દેસાઈએ જણાવ્યુ કે, ગત તા.૧ ફેબ્રુઆરીએ એક્સિડન્ટને કારણે હાથમાં ફ્રેકચર સાથે સિવિલમાં દાખલ થયેલા હિંમતભાઈ માંગુકિયા હિમોફીલિયામાં પણ રેર સ્ટેજથી પીડિત છે, જે કારણે તેમને વધુ પડતો રક્તસ્ત્રાવ થવાથી કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ ડેવલપ થયો હતો. જેમાં એક જ જગ્યાએ લોહી એકઠું થતાં હાથના આગળના ભાગમાં લોહી ઓછું પહોંચતું હતું. આ કારણથી વધુ પડતાં રક્તસ્ત્રાવને રોકવા તેમને તાત્કાલિક નોવા ફેક્ટર ૭ અને ફિબા નામક દવાઓ આપવામાં આવી હતી. મૂળ બોટાદ જિલ્લાના લાખણકા ગામના વતની અને છેલ્લા ૧૨ વર્ષોથી સુરતમાં રહે છે. તેઓ હીરાઉદ્યોગમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. સિવિલમાં સારવાર દરમિયાન દવાઓની હકારાત્મક અસરને કારણે તેમનું સફળ ઓપરેશન શક્ય બન્યું અને સતત અપાતા ફેક્ટર ૭ને કારણે તેમની સ્થિતિ પણ સુધરી હતી. ત્યારબાદ તા.૨૧ ફેબ્રુઆરીએ તેમના હાથની ત્વચારોપણની સફળ સર્જરી કરાઈ હતી. હાડકાં વિભાગના તબીબોની ટીમે સતત નિરીક્ષણ તેમજ વારંવાર ડ્રેસિંગ કર્યું હતું, જેના કારણે તેમની સ્થિતિમાં સતત સુધારો જોવા મળ્યો હતો. વધુમાં, ખૂબ મોંઘી એવી નોવા ફેક્ટર ૭ના ૧૨૨ વાઈલ્સ(શીશી) અને ફિબાના ૧૭૬ ડોઝનો ખર્ચ રૂ.૧ કરોડ જેટલો થયો છે, પરંતુ નવી સિવિલ સ્થિત હિમોફીલિયા સેન્ટરના સહયોગથી હિંમતભાઈની સારવારમાં વપરાયેલી દરેક દવાઓ સમયસર, પૂરતા પ્રમાણમાં અને નિ:શુલ્ક ઉપલબ્ધ થઈ હતી. અને એક મહિનાની સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા હતા. હિંમતભાઈએ કહ્યું કે, એક્સિડન્ટ થયાના કલાકો સુધી અમે વિવિધ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે રઝળ્યા હતા. પરંતુ મારી સ્થિતિ જાણતા જ દરેકે સારવાર આપવાની ના પાડી હતી, અને નવી સિવિલ હોસ્પિટલમાં જવાનું સૂચન મળતા જ અમે અહીં દાખલ થયા હતા. સિવિલ ખાતે તાત્કાલિક સારવાર શરૂ કરી મને જરૂરી દવાઓ અપાઈ અને મારા હાથનું સફળ ઓપરેશન કરાયું હતું. અહીં ડોકટરો અને નર્સિંગ સ્ટાફના સહયોગથી એક મહિના પછી હું સ્વસ્થ થઈને ફરી મારા ઘરે જઈ રહ્યો હોવાનો મને ખૂબ આનંદ છે. હિંમતભાઈ સાથે રહેતા તેમના પિતરાઈ ભાઈ ખોડાભાઈએ સરકારી હોસ્પિટલમાં મળતી સુવિધાઓની પ્રશંશા કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રૂ.૧ કરોડની નિ:શુલ્ક સારવાર-સહાય કોઈપણ મધ્યમવર્ગીય પરિવાર માટે વરદાનરૂપ છે. સિવિલના નિષ્ણાત તબીબોની સમયસૂચકતા અને સચોટ નિદાન-સારવાર પ્રખ્યાત ખાનગી હોસ્પિટલથી કમ નથી એવું અમે જાતે અનુભવ્યું છે. નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.ગણેશ ગોવેકર વડપણ હેઠળ તેમજ આર.એમ.ઓ ડૉ.કેતન નાયકના માર્ગદર્શન હેઠળ હાડકાં વિભાગના યુનિટ હેડ ડૉ. શિવ આચાર્ય, સહ પ્રાધ્યાપક ડૉ.અંશુલ ગુપ્તા, મદદનીશ પ્રાધ્યાપકો ડૉ.નાગેશ દેસાઈ અને ડૉ.કૃણાલ ચૌધરી, ડો.સંકેત સુતરીયા સહિત સિનિયર-જુનિયર રેસિડન્ટની ટીમ સહિત નર્સિંગ સ્ટાફે સમગ્ર સારવાર માટે જહેમત ઉઠાવી હતી. . હિમોફીલિયા એટલે શું? . . . . . . . . . . . . . . . . . . . . હિમોફીલિયા એક એવો રોગ છે જેમાં ઘા પડ્યા પછી લોહી સતત વહ્યા કરે છે. સામાન્ય રીતે શરીર પર આપણને ઘા પડ્યા પછી લોહી વહે છે જે થોડાક સમય પછી બંધ થઈ જાય છે. પરંતુ હિમોફિલિયાથી પીડિત દર્દીઓમાં રક્તસ્ત્રાવ લાંબા સમય સુધી બંધ થતો નથી. આ એક વારસાગત બીમારી છે, જેમાં લોહી ગંઠાઈ જવાની ક્ષમતા ગંભીર રીતે ઘટી જાય છે, જેથી નાની ઈજા પણ ગંભીર રક્તસ્ત્રાવનું કારણ બની શકે છે. તેમાં સામેલ આનુવંશિકતાને કારણે, સ્ત્રીઓ કરતાં પુરુષો હિમોફીલિયા માટે વધુ સેન્સિટિવ હોય છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાને નામ સફળતાનું વધુ એક સોપાન
Spread the love